સાંજ ઘેરાઈ હતી .અમર ઘરના દીવાનખંડમાં આરામથી ક્રિકેટ નિહાળી રહ્યો હતો . આરોહી બાલ્કનીમાં ઉભી, આથમી ગયેલા સૂર્ય ની લાલિમા નિહાળી રહી હતી.સ્ટ્રીટલાઈટ નો પ્રકાશ આરોહીના અંતરને ના જાણે કેમ ઝંઝોળી રહ્યો હતો. પાડોશીના ટીવી પર જૂનું ફિલ્મી ગીત " કિસી ને અપના બનાકે મુજ કો મુસ્કુરાના શીખા દિયા" વાગી રહ્યું હતું. સાંભળતા જ ... એના હોઠ પર દર્દ ભર્યું સ્મિત આવી ગયું અને ત્રીસ વર્ષ થી હ્રદયમાં દફનાઈ ગયેલી સ્મૃતિઓ જાગી ઉઠી . .
આ ગીત કોલેજના દિવસોમાં નિરંતર એ મનમાં ગાતી રહેતી ...અરે વાગોળતી જ રહેતી. એક દિવસ ચાલુ ક્લાસે મનમાં મરક્તી આરોહીને સખી રીનાએ પૂછ્યું પણ ખરું કે આરોહી તારું ધ્યાન ક્યાં છે? શું હસે છે?
આજે યોંવનના પગથીયે પગ મુકતા જોયેલા સ્વપ્નો ફરી તાજા થઇ ગયા .એને પ્રિયેશની યાદ આવી ગઈ .થોડા વાંકળિયા વાળવાળો ગોરો ચહેરો નજર સમક્ષ રમવા લાગ્યો. .અત્યારે એ શું કરતો હશે? શું એને પણ મારી યાદ આવતી હશે?
ડૂબી ગયેલી સાંજના ઠંડા પવને એના અતીતનો દરવાજો ખોલી નાખ્યો . પ્રિયેશ એન્જીન્યરીંગ કોલેજમાં હતો . રીનાને મળવા આવનાર એના ભાઈ મુકેશ સાથે આરોહીની કોલેજમાં ઘણીવાર આવતો . .....
એક દિવસ આરોહી કોલેજના બગીચામાં સખીવૃન્દ સાથે બેસી મજાકમસ્તી કરતી હતી. નજીક જ પડતી કોલેજની બારીમાં બેસી પ્રિયેશ આ મસ્તી માણતો આરોહીને નિહાળતો હતો .આરોહી નું ધ્યાન જતા એ પણ સખીઓથી નજર ચુરાવી એને જોઈ લેતી હતી. પ્રિયેશ ત્યાંથી મલકાતો હતો. ધીરે ધીરે આવો ક્રમ બની ગયો હતો . કલાસમાં ચાલતા લેકચરમાં કાલિદાસના "અભિજ્ઞાન શાકુંતલમ્", "વિક્રમોર્વર્શીયમ્" કે માઘના મહાકાવ્ય શિશુપાલવધના નાયકમાં આરોહીને મલકતો પ્રિયેશ જ દેખાતો.
પરીક્ષા નજીક આવી રહી હતી. સૌ સખીઓ ક્લાસમાં હતી. આરોહીને એક પ્રશ્નના ઉત્તર લખવાના સંદર્ભમાં એક બુક જોઈતી હોય એ લાયબ્રેરી તરફ નીકળી .બુક લઇ હજુ વાંચવાનો પ્રયાસ કરતી હતી ત્યાં બાજુ માં પ્રિયેશ એક બુક લઇ બેસી ગયો. એનું દિલ એક ધડકન ચુકી ગયું .રોજ એને જોઈ મલકતાં ચહેરે કહ્યુ .." હું પ્રિયેશ " આરોહીનું ગળું હોઠ જ સુકાઈ ગયા અને મહાપ્રયત્ને બોલી ' હું જાણું છું ' એના વ્યક્તિત્વથી અંજિત એ ઉભી થઇ ગઈ. પ્રિયેશે પ્રેમથી હાથ પકડી ફરી બેસાડી અને કહ્યું . એક વાત સાચી કહું છું માનશો ? પ્રિયેશના પ્રથમ સ્પર્શથી રોમાંચિત આરોહીએ તુરંત સુધાર્યું...માનશો નહી પણ માનશે ? કહેવું વધુ ઠીક લાગશે, સાંભળી પ્રિયેશના મુખ પર એક મોહક સ્મિત ફરી વળ્યું અને કહ્યું ઘણા દિવસથી આંકાક્ષા હતી કે મારી મનગમતી વ્યક્તિ ને હું એકાંતમાં મળું અને કઈ પણ કહ્યા વગર જ મારા દિલની ઉર્મીઓને એ સમજે અને અનુભવી શકે . આરોહી ! તું સમજે છે ને? એ તો ખુબ રોમાંચિત હતી .. મીઠી મુસ્કાન એનો ઉત્તર હતો. પછી તો બંને મિત્રવૃંદથી બહાના કાઢી વાંચવાના બહાને લાયબ્રેરીની નિરવ શાંતિમાં નિ:શબ્દ એકબીજાને નીરખતા બેસતા. કયારે ચુપકીદી જ વાચાળ બની જતી. પણ અભ્યાસ પર ક્યારે ય અસર થવા દેતા નહીં.
સામાજીક નીતિબધ્ધતાને કારણે ખુલ્લેઆમ મળી શકાતું નહીં પણ આંખોના ઈશારાથી ઘણી વાતો કરતા. સમય ક્યાં પસાર થઇ ગયો એ યાદ જ ના રહ્યું. પ્રિયેશનું એન્જીન્યરીંગ પૂર્ણ થયું. પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થઇ ગયો...ખુશીનો કોઈ પાર ના હતો. અને સારી જોબની ઓફર મળતા એ જોઈન્ટ થઇ ગયો. આરોહી પણ સ્નાતક થઇ ગઈ.
પ્રિયેશના ઘરમાં આ ડીગ્રી નાની લાગશે સમજી એણે પોતાના ઘરમાં મનાઈ થતા થોડી સમજાવટ કરી અનુસ્નાતક થવા પાર્ટ ટાઇમ લેકચર એટેન્ડ કરવા બીજા શહેરમાં જવા લાગી. આ શહેરમાં કોઈ પરિચિત મળવાનો ડર ના હતો.શનિ-રવિવારના દિવસોમાં બંનેનું મિલન થીયેટર કે હોટલ કે કોલેજ માં થતું ... એકબીજાના થઇ રહેવાના મસ્ત સ્વપ્નો જોતા સમય પસાર થતો હતો.
કિન્તુ તે દિવસે પ્રિયેશ ખુબ અશાંત લાગતો હતો. એને ઘણું કહેવું હતું પણ ચુપ હતો. આરોહીએ મૌન તોડ્યુ .. " પ્રિયેશ કઈ તો બોલ. શું થયું છે ? " તો એણે ખુબ ધીર ગંભીર સ્વરે કહ્યુ ' આરોહી ચાલ આપણે ક્યાંક ભાગી ને લગ્ન કરી લઈએ " સાંભળી એ ખુબ હતપ્રભ થઇ ગઈ બોલી " કેમ શું થયું ? "
પ્રિયેશની બહેનના લગ્નની ખરીદી ચાલી રહી હતી. પ્રિયેશ પર પણ લગ્નનું દબાણ થઇ રહ્યું હતું . પ્રિયેશે જણાવ્યું કે સામાજિક મોભાને કારણે એના ઘરના વડીલો એ સ્પષ્ટ કહી દીધું હતું કે '' તારી બહેનના લગ્નમાં વિઘ્નરૂપ થાય એવું કોઈ કાર્ય કરીશ નહી.અમારી પ્રતિષ્ઠા નું ધ્યાન રાખજે " પ્રિયેશના વડીલો એ થોડામાં ઘણું કહ્યું હતું, એ આરોહી સમજી ગઈ . પ્રિયેશની અનેક વિનંતી છતાં આરોહી વડીલોના આત્મસન્માન ને ઠેસ પહોચાડી લગ્ન કરવા તૈયાર ના થઇ. તે સમયે આવા લગ્ન કરવા કેટલું કઠીન હતું? સામાજિક પ્રતિભાવો અને પરિણામ આરોહી સમજતી હતી. એણે પ્રિયેશને ઘણો સમજાવ્યો ...સંસારને જીતવો સહેલો નથી. વડીલોની મરજી વિરુધ્ધના લગ્ન કરી સંસાર શરુ કરવાથી સુખચૈનથી જીવી શકાશે નહીં.... પણ પ્રિયેશે ઘણી વિનવણી કરી. આરોહીનું મન મુઝવણના ભાર નીચે દબાઈ ગયું. પણ એને માં-બાપે આપેલા સંસ્કારે રોકી લીધી અને એણે સામાજિક માનમર્યાદા ના પલડાને નમાવી દીઘું.
આરોહી એ પરિસ્થિતિનો મુકાબલો કરવાને બદલે અલગાવ કેમ સ્વીકારી લીધો? આરોહી જાણતી હતી કે લગ્ન એટલે સિર્ફ પતિ - પત્ની નો સંબંધ નહીં પણ બે ઘર અને સમાજ સાથેનું પણ જોડાણ છે. પ્રિયેશે અંતરમાં અપાર વેદના અને આંસુ ભરેલ આંખથી એની આંખો માં જોયું .આરોહીની આંખ કોઈ ઊંડા અથાગ જળાશય જેવી લાગતી હતી. હૈયામાં ઉદભવેલા ભાવોનું દર્શન થતું ના હતું. એ હચમચી ગયો. સંયમનું આવરણ તૂટી ગયું. આરોહીને ગળે લગાવી દીધી તો બંનેની આંખોમાંથી જાણે સાત સમુદ્રના મોજા ઉછળ્યા. શાંત થતા ફરી કિનારે આવ્યા .સત્ય સમજાયું. બંનેના જીવનમાં કોઈ ઝંઝાવાત ના આવે માટે કયારેય એકબીજાના જીવનમાં ના આવવું કે ના ઝાંખવુંના પરસ્પર સંમતિથી વચન આપ્યા . એકબીજા ને સુખીજીવનની શુભેચ્છા આપી.
બન્ને ને એકબીજાથી દૂર તો ક્યાં જવું હતું ? પણ ભાગ્ય આગળ ક્યાં કોઈનું ચાલે છે? હ્રદય પર અંકિત મૂર્તિ ભૂંસી કદી ભુસાવાની નથી જાણતા હોવા છતાં એક પડદો પાડી દીધો અને બીજાઓથી અજાણ્યો એવો અનોખો પ્રેમ ક્યાંક છુપાઈ ગયો. ટ્રેઈન આવવાનો સમય થઇ ગયો હતો..બીજી ટ્રેનનો સમય તો રાત્રે ૧૧ નો હોય સમયસર ઘરે પણ પહોચવાનું હતું ને ! બંને ઉભા થયા . હોટલમાં instrumental music પર સંજોગવસાત "આંસુભરી હૈ યે જીવન કી રાહે ...કોઈ ઉનસે કહ્દો હંમે ભૂલ જાયે" વાગી રહ્યું હતું.
આરોહી વિચારવા લાગી ભૂલી જજો કહેવાથી કોઈને ભૂલી શકાય છે?
આખરી મિલન ..પ્રિયેશે જતા જતા ફરી એક વાર આરોહીના ખભે હાથ મુક્યો.. આંખ સજળ થઇ.
આરોહીને પ્રિયેશનો આખરી પ્ર્રેમભર્યો સાંત્વનનો સ્પર્શ થઈ રહ્યો છે એવું લાગ્યું..આ તો અમરે ધીરેથી આવી આરોહીના ખભે હાથ મૂકી પૂછ્યું. આરુ ! શું કરે છે અહીં ? તારી સખી રીનાના દીકરાના લગ્નમાં નથી જવું ? અમરના સાદે એની તંદ્રા તૂટી.
આરોહી અમર સાથે લગ્નસમાંરભમાં આવી. વ્યસ્ત રીનાને મળી પણ વધારે વાત ના થઇ. dinner લઇ એક જગ્યાએ બેસી લગ્ન વિધિ જોઈ રહી હતી. અમર એના કોઈ પરિચિત સાથે વાતોમાં મગ્ન હતો. ત્યાં પાછળથી એક અવાજ આવ્યો "આરોહી " . એનું હ્રદય આજે ધબકારો ચુક્વાને બદલે જાણે બંધ થઇ ગયું. વર્ષો પછી એજ અવાજ... પાછળ જોયું, એજ સ્મિત.
સાંજ થી મન અતીતમાં ફરતું હતું .વ્યાકુળ તો હતું જ ત્યાં આ કેવો સંજોગ? આરોહીની આંખ સજળ થઇ ગઈ. કેટલા વરસો પછી આજે એને જોયો હતો. અશ્રુ રોકવાના પ્રયાસમાં ઉત્તર આપવાની હિમ્મત ક્યાં હતી.? અશ્રુબંધન તૂટી ના પડે માટે એ અમરની બાજુ માં જઈ બેસી ગઈ. પ્રિયેશ કોલેજના દિવસોની જેમ અપલક નજરે જોતો રહ્યો. આજે આરોહીની મસ્તી નહીં પણ માનો એના દામ્પત્ય જીવનની ચકાસણી કરતો ના હોય ?
આરોહીને પણ એને દિલ ભરી જોવો હતો..મળવું હતું...પણ એક ડર હતો કે આંસુઓ બંધ તોડી નાખશે તો? અમરને શું જવાબ આપશે? આરોહી મુઝાઇ, ગભરાઈ .અને તુરંત પત્નીત્વની ગરિમા ને જાળવવા દ્રઢતાથી અમરનો હાથ પકડી કહ્યુ ચાલો હવે ઘર જઈએ અને મંડપની બહાર જવા પ્રયાણ કર્યું.
અમર ગાડી લેવા આગળ વધ્યો તો ફરી એજ અવાજ.. “આરોહી ! એક વાર મળીશ? "
આરોહી શું કહે ? ઉત્તર આપવાની હિમ્મત એકઠી કરવાનો પ્રયાસ કરે ત્યાંતો અમર ગાડી લઇ આવી પહોચ્યો. .
આરોહી જતા જતા પ્રિયેશ ને પ્રેમભરી નજરે જોવાની ઈચ્છાને દબાવી ના શકી .
આરોહી ‘‘એક વાર મળીશ? “ નો ઉત્તર આજે પણ શોધે છે.
Post a Comment